Site icon Revoi.in

ઉપલેટામાં ગણોદ અને તાણસવા ગામમાં કોલેરાનો વાવર, કલેક્ટર સહિત અધિકારીઓ દોડી ગયા

Social Share

રાજકોટઃ જિલ્લાનાં ઉપલેટા તાલુકામાં આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોના બાળકોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે દોડી ગયા હતા.  તાલુકાના ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા શ્રમિકોના 2 બાળકોના મોત નિપજ્યા હતા. બાળકોનાં મોતનું કારણ જાણવાઆરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.

ઉપલેટા તાલુકાના ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં મજુરી કામ કરતા અને કારખાનાના કમ્પાઉન્ડમાં રહેતા શ્રમિકોના બાળકોમાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળ્યો હતો. આ અંગે કારખાનેદારે  જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મારુ કારખાનું આવેલું છે. જેમાં કાર્તિક અને કવિતાબેન નામના 2 અને 3 વર્ષનાં બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બાળકો  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાળકોને ઝાડા-ઊલટી થયા હતા. જેમાં કોઈ બાળકને પાણી ઘટી ગયું હતું. હોસ્પિટલમાં લઈ જતા સમયે એક બાળકનું તેમજ જૂનાગઢથી રાજકોટ લઈ જતી વખતે બીજા બાળકનું મોત નીપજ્યું હતું. હાલ અન્ય કોઈને પ્રોબ્લેમ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.

અન્ય કારખાનેદારના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક યુનિટ અર્ચન પોલીમર્સમાં બે બાળકોના ઝાડા-ઊલટીનાં કારણે મોત નિપજ્યા હતા. આ બાળકોની સારવાર જૂનાગઢ હોસ્પિટલમાં ચાલી રહી હતી તેમજ અન્ય બાળકોની સારવાર જામનગર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને છેલ્લા 3 દિવસથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે અને એક દર્દી ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનાં જણાવ્યા અનુસાર ઉપલેટાનાં તાણસવા ગામે પલ્સ પોલિયો અભિયાન દરમિયાન અમુક ઝાડા-ઊલટીનાં કેસો સામે આવ્યા હતા. આ વિસ્તારમાં  સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી હતી. 24 કલાક ડોક્ટર સહિત આરોગ્યની ટીમ આ વિસ્તારમાં ખડેપગે રાખવામાં આવી છે. ઝીંક અને ORSની દવાઓ પણ આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલમાંથી નિષ્ણાત તબીબોની ટીમો બોલાવવામાં આવી છે અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે.