છોટાઉદેપુરઃ રીંછે નવ વર્ષની બાળકી સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો
અમદાવાદઃ છોટાઉદેપુર તાલુકાના દડીગામમાં વન્ય પ્રાણી રીંછના હુમલાની ઘટના સામે આવી છે. એક બાળકી સહિત ત્રણ લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય શર્મિલા ગોવિંદ રાઠવાના કમરના ભાગે રીંછે ઈજા પહોંચાડી છે.
ત્યાર બાદ ઘર આંગણે દાતણ કરતા વૃદ્ધ ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યો હતો. ત્યારે ચમાયડા રાઠવા ઉપર હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યો હતો. જ્યાં લોકટોળા ભેગા થઈ ગયા હતા અને વન વિભાગે રીંછને બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ રીંછ પોતે જ કુંવામાથી બહાર નીકળી ગયો હતો. કુવામાંથી બહાર નીકળ્યા બાદ રીંછે અન્ય એક વ્યક્તિ રેવજી નાયક ઉપર હુમલો કરી આંગળીઓમાં ઇજા પહોચાડી હતી.
ત્રણેય ઇજાગ્રસ્તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તે ઉપરાંત ત્રણેયની હાલત સ્થિર છે. દડીગામની માનવ વસ્તીમાં રીંછ આવી ચઢતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રીંછનું રેસેક્યુ હાથ ધર્યું હતું. પરંતુ રીંછ જાતે જ નજીકના જંગલ વિસ્તારમાં જતા રહેતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે વન વિભાગે રીંછ ઉપર નજર રાખવાના પ્રયાસો હાથ ધર્યા છે, સાથે જંગલ વિસ્તાર તરફ એકલાના જવા ગામલોકોને સૂચિત કર્યા છે.