Site icon Revoi.in

યુરોપમાં ક્રિસમસને લીધે સુરતના ડાયમન્ડ ઉદ્યોગમાં તેજીનો સંચાર

Social Share

• ઓક્ટોબરમાં ડાયમન્ડ એક્સપોર્ટમાં 12.39 ટકાનો વધારો થયો,
• હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે,
• સ્ટટેડ ગોલ્ડ જ્વેલરીનું એક્સપોર્ટ 17 ટકા વધ્યું

સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય શહેર ગણાય છે. છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. અનેક હીરાના કારખાના બંધ થઈ ગયા છે. રત્નકલાકારો પુરતુ કામ નહીં મળતા આર્થિક નાણાભીડનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ યુરોપમાં ક્રિસમસને લીધે હીરાની માગમાં વધારો થતાં ડાયમન્ડ ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39%નો વધારો થયો હોવાનો GJEPCનો રિપોર્ટ કહી રહ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસની ડિમાન્ડને લઈને છેલ્લાં 5 મહિનાની સરખામણીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધારે ડાયમંડનું એક્સપોર્ટ થયું છે. અત્યારથી જ વેપારીઓ દ્વારા ડાયમંડના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી હોવાથી નવેમ્બરમાં પણ એક્સપોર્ટ વધવાની સંભાવના હીરા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વર્ષ 2023ના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં પણ નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 12.39 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023ના ઓક્ટોબરમાં 10495 કરોડનું એક્સપોર્ટ થયું હતું, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં 11795.83 કરોડના ડાયમંડનું એક્સપોર્ટ થયું છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023ના ઓક્ટોબરમાં 8603.33 કરોડની જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં 9449.37 કરોડ રૂપિયાની જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી. ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટમાં 9.88 ટકાનો વધારો થયો હતો. જ્યારે 2023ના ઓક્ટોબરમાં 1135 કરોડના કટ એન્ડ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ થયું, જ્યારે 2024માં 1160.70 કરોડના લેબગ્રોન હીરા એક્સપોર્ટ થયા હતા. તેમજ 2023ના ઓક્ટોબરમાં 3748.52 કરોડની પ્લેઈન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ, આ ઓક્ટોબરમાં 3759.92 કરોડની પ્લેઈન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી .જ્યારે વર્ષ 2023ના ઓક્ટોબર મહિનામાં 4854.81 કરોડ જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં 5689.45 કરોડની સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડિસેમ્બરમાં અમેરિકા સહિતના દેશોમાં ક્રિસમસ સહિતના તહેવારો હોય છે જેના કારણે ઓક્ટોબર નવેમ્બર મહિનાથી ડાયમંડની ડિમાન્ડ નિકળે છે. હાલ જેટલું એક્સપોર્ટ થયું છે તે સ્થિતમાં હવે માર્કેટ સ્ટેબલ રહેશે તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં નવા પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થયાં જેની પણ માર્કેટમાં પોઝિટિવ અસર થશે.