અમદાવાદઃ ગુજરાતમાં તા. 5થી 15 માર્ચ સુધી રાજ્ય પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરાયુ છે. આ ડ્રાઇવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક પોલીસ સ્ટેશનદીઠ ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે છ દિવસમાં હેલ્મેટ પહેર્યા વગરના 1207 ચાલકોને પકડી પાડીને રૂ. 6.13 લાખનો દંડ ફટકાર્યા છે. જ્યારે સીટબેલ્ટ પહેર્યા વગરના 2636 કાર ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂ. 13.19 લાખનો દંડ વસૂલ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના લોકો સામે લાલ આંખ કરવા પોલીસે 10 દિવસીય ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જો કે વીઆઇપી બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી દંડનો ટાર્ગેટ પૂર્ણ કરી શકી નથી. હવે ડ્રાઇવના માત્ર બે દિવસ બાકી હોવાથી નિયમનોનું ઉલ્લઘંન કરતા ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસે ટાર્ગેટ પૂર્ણ કરશે. મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં મેમાનો ટાર્ગેટ પૂર્ણ થયો નથી. હવે ડ્રાઇવના બે દિવસ બાકી હોવાથી પોલીસકર્મીઓ મનમૂકીને ટ્રાફિકના નિયમ ભંગ કરતા ચાલકો સામે લાલ આંખ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના તમામ શહેરો અને જિલ્લાની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજી જ દિવસે આપી દેવાનો હુકમ કરાયો છે.આ ઉપરાંત ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. પરિણામે અત્યાર સુધી હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવનારાઓને જવા દેવાતા હતા તે બંધ થશે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઊઠી છે. (file photo)