પાલનપુરમાં માલણ દરવાજા પાસે ડમ્પિંગ સાઈટ સામે શહેરીજનોનો વિરોધ, વિપક્ષે કર્યા ધરણાં
પાલનપુરઃ શહેરમાં માલણ દરવાજાની ડમ્પિંગ સાઈટને લઈને ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે. ડમ્પિંગ સાઈટને લીધે આજુબાજુની સાસાયટીના રહિશો પણ પરેશાન છે. 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. અનેક વાર નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે, પરંતુ આ ડમ્પિંગ સાઈટનો નિકાલન થતા 20 જેટલી સોસાયટીઓના રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. ડમ્પિંગ સાઈટ પર પાલનપુર નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા સહિત કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર માલણ દરવાજા પર છેલ્લા પાંચ વર્ષથી આવેલી ડમ્પિંગ સાઈટથી પ્રજા પરેશાન છે. છેલ્લા એક વર્ષથી 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે. ઉપરાંત ડમ્પિંગ સાઈટની આજુબાજુ આવેલી 20 જેટલી સોસાયટીના રહીશોનું આરોગ્ય જોખમાયું છે. અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે, ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે, છતાં યે માલણ દરવાજા પાસે આવેલી ડમ્પિંગ સાઈટ ન હટતા આખરે નગરપાલિકાના વિપક્ષ નેતા અને કોર્પોરેટર સહિત સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઈટ હટાવવાની માંગ કરી હતી. ધરણા અને સૂત્રોચાર કરીને આરોગ્ય મંત્રી અને પાલનપુર નગરપાલિકાના પ્રમુખના પૂતળાનું પણ દહન કર્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રહેતા રહીશો પણ પરેશાન છે. તેમના પરિવારને આરોગ્ય પણ જોખમાયું છે. માલણ દરવાજા ડમ્પિંગ સાઇટ પાસેથી પસાર થતો રસ્તો 20 ગામોને જોડતો માર્ગ છે. જેમાં અંબાજીને જોડતો પણ માર્ગ છે, પરંતુ છેલ્લા એક વર્ષથી ડમ્પિંગ સાઈટનો કચરો રોડ ઉપર નાખવાને કારણે આ માર્ગ પણ બંધ થયો છે.