અમદાવાદમાં શહેરીજનો વેક્સિન લેવા ઉમટ્યાં, સ્ટોક ખલાસ થતાં 3500 લોકોએ પરત ફરવું પડ્યું
અમદાવાદઃ શહેરના ઘણાબધા લોકોએ કોરોનાનો બીજો ડોઝ કે બુસ્ટર ડોઝ લીધો નથી. ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને ભારત સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરીને લોકોને કોરોના સામે સાવચેત રહેવાની અપિલ કર્યા બાદ અમદાવાદના શહેરીજનો કે જેમને કોરોના સામેની રસીનો બીજો ડોઝ કે બુસ્ટર ડોઝ લીધો નથી તેઓએ વેક્સિન લેવા માટે મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્ર પર ઉમટ્યા હતા. અને સોમવારે સ્ટોક ખલાસ થઈ જતાં 3500 જેટલા શહેરીજનોને વેક્સિન લીધા વિના પરત ફરવું પડ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં કોરોનાએ ફરી ઊથલો મારતા લાખોની સંખ્યામાં કેસ વધી રહ્યાં હોવાથી ભારત સરકારે પણ કોરોના સામે લોકોને સાવચેત કર્યા છે. અને ભીડભાડવાળી જગ્યાએ ન જવા તેમજ માસ્કનો ઉપયોગ કરવાની અપિલ કરી છે. ગુજરાત સરકારે પણ પર્યટક સ્થળોથી લઈને સચિવાય સુધી મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત બનાવ્યા છે. દરમિયાન અમદાવાદના શહેરીજનો કોરોના રસીનો બીજો અથવા પ્રિકોશન ડોઝ લેવા વેક્સિન સેન્ટર ઉપર પહોંચી રહ્યાં છે, પણ હવે સ્થિતિ એવી બની છે કે, લોકોને વેક્સિન સેન્ટર પરથી રસી લીધા વગર પરત જવું પડી રહ્યું છે. મ્યુનિ. પાસે રસીનો સ્ટોક ખૂટી ગયો છે. સોમવારે શહેરના કુલ 82 વેક્સિન સેન્ટર પર માત્ર 910 લોકોને રસી મૂકવામાં આવી હતી જ્યારે આશરે 3500 લોકોને રસી અપાઈ નહોતી. વેક્સિનના ડોઝ હજુ બે દિવસ સુધી નહીં આવે તેમ લોકો સમક્ષ સ્પષ્ટતા કરાઈ હતી. મ્યુનિ. મેડિકલ સ્ટોરમાં વેક્સિનનો સ્ટોક ઝીરો થઈ ગયો છે, છૂટાછવાયા વેક્સિન સેન્ટર ઉપર ડોઝ ઉપલબ્ધ છે. મ્યુનિ. આરોગ્ય વિભાગે રાજ્ય સરકાર સમક્ષ એક લાખ ડોઝની ડિમાન્ડ મૂકી છે. અમદાવાદમાં 106 ટકા લોકોએ પ્રથમ ડોઝ, 92 ટકા લોકોએ બીજો ડોઝ અને માત્ર 22 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.
સૂત્રએ ઉમેર્યું હતું કે, શહેરમાં સોમવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા. સરકારે રાજ્યમાં કોરોનાના 40 એક્ટિવ કેસ હોવાનું જાહેર કર્યું છે. માત્ર અમદાવાદમાં જ 35 એક્ટિવ કેસ હોવાનું કહેવાય છે. મ્યુનિ.ની હોસ્પિટલોમાં કોરોના સામે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. (file photo)