નવી દિલ્હીઃ કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ પ્રદર્શન સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને ચેતવણી આપવા છતા પણ કોઈ અસર થઈ રહી નથી. ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. તેના અંદર 39 લોકોના મોત થયા હતાં. ત્યારે ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહ્યા છે.
- 627 પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ
કેન્યા નેશનલ કમિશન ઓન હ્યુમન રાઈટ્સ અનુસાર, કેન્યામાં ટેક્સ કાયદા વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં 39 લોકો માર્યા ગયા છે અને 361 ઘાયલ થયા છે. આ સિવાય 32 લોકો ગુમ છે. આ દરમિયાન 627 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિથી ચિંતિત કેન્યાની સુપ્રીમ કોર્ટે સરકારને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
- રોષે ભરાયેલા ટોળાએ સંસદને આગ ચાંપી
નોંધનીય છે કે કેન્યામાં મે મહિનામાં ફાઇનાન્સ બિલ 2024 રજૂ કરવામાં આવ્યું હતું. રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર ભારે ટેક્સ લાદવાની દરખાસ્ત છે. આ બિલ અંગે સંસદમાં મતદાન થયું હતું. લગભગ 195 સાંસદોમાંથી 106 એ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. આ વાત સાંભળતા જ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતાં. રોષે ભરાયેલા ટોળાએ સંસદને આગ ચાંપી દીધી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું છે કે હિંસા અને અરાજકતા સામે કડક વલણ અપનાવવામાં આવશે. કેન્યામાં ચાલી રહેલી અશાંતિથી ભારત ચિંતિત છે. કેન્યામાં 80 હજારથી એક લાખ ભારતીયો રહે છે.