ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા ના અણઘડ વહીવટ થી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચીત રહેતાં નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો.
હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સમગ્ર તંત્ર રામભરોસે ચાલી રહ્યુ હોય તેવુ દેખાઈ રહ્યુ છે.
હાઈવે રોડથી માતાજી મંદિર તરફ જતા રસ્તાની બાજુમાં મોટા ગરનાળાનુ કામ ચાલુ છે તેમાંથી માતાજી કંપા તરફ પીવાના પાણીની લાઈન પસાર થાય છે. પણ ગરનાળાનુ કામ ચાલતુ હોવાથી નવીન પીવાના પાણીની લાઈન બસ સ્ટેશન આગળ નાખેલ છે. પણ કોન્ટ્રાક્ટરે નવીન લાઈન ચાલુ કરતાં પહેલાં જૂની પીવાના પાણીની પાઈપ લાઈન કામ કરતાં તોડી નાખતાં છેલ્લા 20 દિવસથી માતાજી કંપાના રહીશો પીવાના પાણીથી વંચીત રહ્યા છે.
જ્યારે માતાજી કંપાના રહીશો નગરપાલિકામાં ત્રણ ત્રણ વાર રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ ઓફીસર કે એન્જીનીયર કોઈ હાજર ન હતા. રહીશોએ મંદિર તરફ જતા રસ્તાને આડશો મુકીને રસ્તો બંધ કયોઁ હતો જ્યારે દશઁને આવતા યાત્રિકો પણ મુંઝવણમાં મુકાયા હતા. જ્યારે ચીફ ઓફીસર હાજર ન હતા એટલે પાણી પુરવઠાના કલાકઁ જુજારસિંહ ચાવડાએ મોરચો સંભાળ્યો હતો પણ જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.
માતાજી કંપાના રહીશ રાજુભાઈ પટેલે જણાવેલ કે પીવાના પાણી બાબતે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ત્રણ વાર રજૂઆત કરવા આવ્યા છીએ પણ એકપણ વાર ચીફ ઓફીસર કે એન્જીનીયર અમને નથી મળ્યા એટલે આજે મંદિર તરફ જવાના રસ્તાને બંધ રાખવા અમો મક્કમ છીએ.