અમદાવાદઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે દહાડે કરોડો રૂપિયાની આવક થાય છે. પરંતુ વહિવટી કરકસર ન હોવાને કારણે તેમજ આડેધડ ખર્ચ કરવાને કારણે મ્યુનિની તિજારી તળિયાઝાટક બની ગઈ છે. આથી મ્યુનિ. તિજોરીને પ્રોપર્ટી ટેક્સની વધુને વધુ આવકથી ભરવા માટે જાન્યુઆરીથી વ્યાજમાફી યોજના અમલમાં મુકાશે. મ્યુનિ.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકિલે જણાવ્યું હતું કે, આગામી નાણાંકીય વર્ષની શરૂઆત પહેલાં ચાલુ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ પ્રોપર્ટી ટેક્સ વસૂલ થઇ શકે અને તેની આવકથી શહેરનાં વિકાસકાર્યો જારી રહી શકે તેવા હેતુથી જાન્યુઆરીથી વ્યાજમાફી યોજના લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં લાખો રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકોનો જંગી પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે, જોકે તેના માટે કોરોના મહામારી બાદ પ્રવર્તતી મંદી જવાબદાર હોવાનું કહેવાય છે. મ્યુનિ.ની ઓકટ્રોયની આવક બંધ થતાં રાજય સરકાર તરફથી નિયમિતપણે દરમહિને ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમ છતાં મ્યુનિ.ની આવકનો બીજો મહત્વનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. પ્રોપર્ટી ટેક્સની આવકમાંથી મ્યુનિ.નાં વિકાસકાર્યો અને અન્ય ખર્ચા નીકળે છે. આ અંગે વધુ માહિતી આપતા રેવન્યુ કમિટી ચેરમેને કહ્યું હતું. કે, મ્યુનિ.નાં બાકી પ્રોપર્ટી ટેક્સની ઝડપથી વસૂલાત થાય અને કોરોના મહામારી સમયમાં જેનો ટેક્સ બાકી હોય તેવા નાગરિકોને પણ વ્યાજમાં રાહત મળે તેવા હેતુથી આ વખતે જાન્યુઆરી મહિનાથી જ વ્યાજમાફી યોજના અમલી બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને ભાજપ મોવડીમંડળે પણ આ નિર્ણયને લીલીઝંડી આપી દીધી છે. ,જાન્યુઆરી મહિનામાં બાકી પ્રોપર્ટી ટેક્સ ભરપાઇ કરી દેનારને વ્યાજમાં વધુ રાહત અપાશે, ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં બાકી ટેક્સ ભરનારને થોડી ઓછી રાહત અને માર્ચમાં ટેક્સ ભરનારને રાબેતા મુજબની રાહત અપાશે. એટલે કે જે કરદાતા વહેલો ટેક્સ ભરપાઇ કરશે તેને વ્યાજમાં વધુ રાહત મળશે. તેમાં જુની ફોર્મ્યુલાનો બાકી ટેક્સ ભરનારને વ્યાજમાં 100 ટકા માફી અપાશે.
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યાજમાફી યોજનાનો મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે તે માટે સાતેય ઝોનનાં ટેક્સ ખાતાનાં કર્મચારીઓ અને અધિકારીઓને કામે લગાડી દેવામાં આવશે. દરેક ઝોનમાં કયા કોમર્શિયલ એકમનાં ટેક્સનાં બિલ બાકી છે, તેની જાણકારીનાં આધારે દરેક જણાનો સંપર્ક સાધવામાં આવશે અને તેમને ટેક્સ ભરપાઇ કરી દેવા સમજાવવામાં આવશે, આ વ્યાજમાફી યોજનાનો લાભ નહિ લેનારા વેપારીઓની ઓફિસ-દુકાન જેવી મિલકત સીલ કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે.