Site icon Revoi.in

સુરતમાં સીટી બસ અને બીઆરટીએસ સેવાના ભાડામાં રૂ. 1થી 5નો કરાયો વધારો

Social Share

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસના ભાડામાં થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા વધારો કરાયા બાદ હવે સુરત મનપાએ મનપા સંચાલિત સિટી બસના ભાડામાં રૂ. 1થી 5નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે સુરતની સીટી બસમાં મુસાફરી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડશે. સુરત મનપાની 38મી બોર્ડ મીટીંગમાં બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં મનપા તંત્ર દ્વારા શહેરીજનોને પરિવહનની સેવા મળી રહે તે માટે વિવિધ રૂટ ઉપર સિટી બસ અને બીઆરટીએસ દોડાવવામાં આવે છે. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો પ્રવાસ કરે છે. સુરત સિટીલિંક લિ.ની 38મી બોર્ડ મીટીંગ યોજાઈ હતી. આ બોર્ડ મીટીંગમાં તા.01-9-2023ના રોજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં નવું સ્ટ્રકચર અમલીકરણ કરવા મંજુરી મળી છે. હાલમાં જાહેર પરિવહન સેવામાં મીનીમમ ભાડું રૂપિયા 4 થી મેક્સીમમ ભાડું 22 રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ 25 રુપિયા અમલમાં છે. મીનીમમ ભાડું 5 રુપિયાથી મેક્સીમમ ભાડું 25 રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ 30 રુપિયા અમલમાં મુકવામાં આવી છે. જેને કારણે છુટા પૈસાની સમસ્યાનું પણ નિવારણ આવશે. ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા માટે સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફત કેશલેસ ટ્રાન્જેકશન દ્વારા શહેરીજનોને મુસાફરી માટે ટિકિટમાં સીધા 20% ની રાહત આપવામાં આવશે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે. જ્યાં એક ટીકીટ થી સીટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTS ના કુલ 13 રૂટ તેમજ સીટીબસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2,50,000 જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે.