Site icon Revoi.in

રાજકોટમાં ગોંડલ હાઈવે પર સિટી બસમાં એકાએક આગ લાગી, પેસેન્જરો ઉતરી જતાં જાનહાની ટળી

Social Share

રાજકોટઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. અસહ્ય ગરમીને લીધે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથે વાહનોમાં હીટિંગને લીધે આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે શહેરના ત્રિકોણ બાગથી શાપર-વેરાવળ તરફ જઈ રહેલી સિટી બસમાં એન્જિનમાંથી ધૂમાડો નિકળ્યા બાદ આગ લાગી હતી. જો કે ડ્રાઈવરે સમયસુચકતા દાખવીને બસ રોડ સાઈડ પર ઊભી રાખીને પ્રવાસીઓને ત્વરિત ઉતારી દેતા જાનહાની ટળી હતી. આગમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત 11 નંબરની સિટીબસ ત્રિકોણબાગ ખાતેથી શાપર-વેરાવળ તરફ જઈ રહી હતી. તે દરમિયાન અચાનક એન્જિનમાંથી ધુમાડા નિકળતા ડ્રાઈવર દ્વારા બસ રોડ સાઈડ પર રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં આગ લાગી હોવાનું જણાતા બસમાં સવાર તમામ પ્રવાસીઓને ઉતારી લેવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રસ્તા પર અન્ય વાહનો ઉભા રહી જતા ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. આ અંગે જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુનિ.ના ટ્રાન્સપોર્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  સિટીબસ ડિઝલ સંચાલિત હતી. S-08 નંબરની 11 નંબરનાં રૂટની બસ શાપર તરફ જતી હતી. ત્યારે કોઠારીયા સોલ્વન્ટ નજીક ખોડિયાર હોટલ પાસે પહોંચતા એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેના કારણે ફરજ પરના ડ્રાઇવરે બસ સાઈડમાં ઉભી રાખી હતી. આગ શરૂ થતાં જ બસમાં સવાર 10 જેટલા મુસાફરોને નીચે ઉતારી લીધા હતા. એટલું જ નહીં આગ બુઝાવવા પ્રયાસ પણ કર્યો હતો. જોકે, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડ્રાઈવર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. આ આગ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ કરી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અને તેમાં બસનો આગળનો ભાગ તેમજ આગળની 2-3 સીટ સુધી બળીને ખાક થઈ ગઈ ગઈ હતી. જોકે, ડીઝલ બસોમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી હોવાથી ટૂંક સમયમાં ડિઝલ બસો બદલવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે મ્યુનિ. સંચાલિત સિટીબસ સેવામાં 52 જેટલી જૂની ડીઝલ બસો કાર્યરત છે. આ બસો વારંવાર બંધ થવાની કેટલાક રૂટ્સ રદ કરવા પડી રહ્યા છે. જેને લઈને મ્યુનિ. દ્વારા નવી સીએનજી બસો માંગવામાં આવી હતી, જે મંજૂર પણ થઈ ચૂકી છે.