Site icon Revoi.in

રાજ્યમાં ચાલુ વર્ષે 66 નગરપાલિકાઓમાં શરુ થશે સિટી સિવિક સેંટર

Social Share

રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકોને ઘર આંગણે ઝડપી અને પારદર્શક ઈ-ગવર્નન્સની સુવિધાઓ પ્રદાન કરવામાં સિટી સિવિક સેન્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.અને તેથી જ રાજ્ય સરકાર વધુમાં વધુ સિટી સિવિક સેન્ટરો શરુ કરી લોકોનું જીવન સરળ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે.  

તદ્અનુસાર, રાજ્ય સરકાર લોકોની ઈઝ ઑફ લિવિંગને સુદૃઢ બનાવવા માટે માત્ર મોટા શહેરો જ નહિં, પણ નાના શહેરોમાં પણ કામગીરી કરી રહી છે અને તેના માટે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2023-24 દરમિયાન રાજ્યની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાના શહેરોમાં શરુ થનારા આ સિટી સિવિક સેન્ટરો માટે સરકારે રૂ. 33 કરોડની ફાળવણી કરી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં ૧૫૭ નગરપાલિકાઓ છે કે જેમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટર ખોલવા માટે સહાય અપાય છે. વર્ષ 2022-23માં રાજ્યની 22 નગરપાલિકાઓમાં 22 સિટી સિવિક સેન્ટર શરૂ કરાયા હતા અને હવે વર્ષ 2023-24માં વધુ 66 નગરપાલિકાઓમાં 66 સિટી સિવિક સેન્ટરો શરુ થશે કે જેથી રાજ્યની નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરોની સંખ્યા વધીને 88 થઈ જશે.

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં તો મોટાભાગે શહેરીજનોની સુવિધા માટે સિટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે અને તે જરૂરિયાતને જોતા રાજ્ય સરકાર નાના શહેરોમાં પણ એક પછી એક સિટી સિવિક સેન્ટર શરુ કરી રહી છે. 66 સિટી સિવિક સેન્ટરોમાં અ વર્ગની નગરપાલિકાઓમાં 22, બ વર્ગની નગરપાલિકાઓમાં 30 તેમજ ક વર્ગની નગરપાલિકાઓમાં 14 સિટી સિવિક સેન્ટરો શરુ કરવામાં આવશે.