અમદાવાદઃ શહેરના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં રહેલા વિવિધ પ્રજાતિના પશુઓ અને પક્ષીઓને નિહાળે છે. આગામી દિવસોમાં હવે શહેરીજનો વધારે બે રોયલ બેંગાલ ટાઈગર પણ નિહાળી શકશે. આ બંને ટાઈગર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ઔરંગાબાદ ઝૂએ આપ્યાં છે. હાલ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, હાથી અને વાઘ સહિત લગભગ 2600થી પણ વધારે વન્યા પ્રાણી-પક્ષીઓ છે.
અમદાવાદ ખાતે આવેલ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને ઔરંગાબાદ ઝૂ વચ્ચે પ્રાણી પક્ષીઓનો વિનિમય કરવામાં આવેલ હતો. જેમાં અમદાવાદ ઝૂ પાસે જરૂરિયાત કરતાં વધુ પ્રાણી પક્ષીઓ જેવા કે 3 ભારતીય શિયાળ, 3 ભારતીય શાહુડી, 2 ઇમુ અને 6 સ્પુનબીલ હોવાથી તે પ્રાણી પક્ષીઓ ઔરંગાબાદ ઝૂને આપવામાં આવ્યા હતા અને તેના બદલામાં ઔરંગાબાદ ઝૂએ 6 કાળીયાર અને 2 રોયલ બેંગાલ ટાઇગર ( માદા-બચ્ચાં ) અમદાવાદ ઝૂને આપેલ છે. આ રોયલ બેંગાલ ટાઇગ્રેસ પૈકી એકનું નામ રંજના અને બીજીનું નામ પ્રતિભા છે . બન્ને વાઘણની ઉંમર 02 વર્ષ અને 02 માસ જેટલી છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો થતાં આ પ્રાણીઓ હવે લોકો નિહાળી શકશે. બેંગાલ ટાઇગ્રેસ સહિતનાં પ્રાણીઓ કાંકરિયામાં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું નવું નઝરાણું બની રહેશે.
અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં સિંહ-સિંહણ મળીને કુલ-03, સફેદ વાઘણ-01 તથા રોયલ બેંગાલ ટાઇગર ( વાઘ-વાઘણ )ની સંખ્યા મળીને કુલ-03, સફેદ વાઘણ-01 તથા રોયલ બેંગાલ ટાઇગર (વાઘ-વાઘણ)ની સંખ્યા-03, દિપડા-04, હાથી-01, શિયાળ-16, હિપોપોટેમસ-02ની સંખ્યા થયેલ છે. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણી – પક્ષીઓની કુલ સંખ્યા 2006 જેટલી છે.