સુરતમાં આજે ઉત્તરાણના દિને સિટીબસ સેવા સંપૂર્ણ બંધ રહેશે, કાલે પણ 50 ટકા જ બસો દોડશે
સુરતઃ શહેરમાં આજે રવિવારે ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે. તેમજ આવતી કાલે સોમવારે વાસી ઉત્તરાણના દિને બીઆરટીએસ અને સિટી બસ રૂટ્સમાં 50 ટકા કાપ મુકવામાં આવ્યો છે. આજે ઉત્તરાણ યાને મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ.કોર્પોરશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
એસએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ઉત્તરાણને રવિવારના દિને સુરત સિટી બસ અને BRTS બસ સદંતર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત તારીખ 15 જાન્યુઆરીના રોજ BRTSના 30% રૂટ અને સિટી બસના 50% રૂટ પરજ 200 જેટલી બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાયણના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં લોકો પતંગ ઉડાવતા હોય છે અને પતંગને કારણે માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેલી છે. જેને ટાળવા માટે એસએમસી દ્વારા સિટી બસ અને BRTS રૂટ 14 તારીખે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
સમગ્ર ભારતમાં સુરત શહેર એક માત્ર શહેર છે કે, જ્યાં એક ટિકિટથી સિટી બસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં બીઆરટીએસના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ પર આશરે દૈનિક 2.50 લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે. ઉત્તરાયણ દરમિયાન બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. કપાયેલા પતંગ ઉત્તરાયણ દરમિયાન નાના બાળકો કે યુવકો તેને લૂંટવા માટે ખોટી રીતે પ્રયાસ કરતા હોય છે. અને બીઆરટીએસની રેલિંગ કુદીને રૂટ ઉપર આવી જતા હોય છે. જેના કારણે અકસ્માત થાય છે અને વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે અથવા તો તેને ગંભીર ઈજા પણ થઈ શકે છે. જેને ધ્યાને લઈને તા.14 જાન્યુઆરી 2024ના રોજ બન્ને બસ સેવા સંદતર બંધ રહેશે. તથા 15 જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા 30 ટકા શિડ્યુલ સાથે તથા સિટી બસ સેવા 50 ટકા શિડ્યુલ સાથે ચલાવવામાં આવશે.