- જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
- સેનાના બે જવાનો પણ શહીદ થયા
શ્રીનગર-જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપતા હોય છે જો કે સેનાના જવાનો આતંકીઓ સામે ખડેપગે રહીને તેમને માત આપી છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો હાલ પણ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે બારામુલ્લા જિલ્લાના બિનેર વિસ્તારમાં શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ સાથે જ સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો સહિત અન્ય સામગ્રી પણ મળી આવી છે.
વિતેલા દિવસને શનિવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સાથે જ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન અને એક પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ઓપરેશન દરમિયાન એક સ્નિફર ડોગનું પણ મોત થયું હતું.
કાશ્મીર ઝોન પોલીસે રવિવારે ટ્વીટ કર્યું હતું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. હાલ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ શનિવારે વહેલી સવારે બારામુલા જિલ્લાના વાનીગામ બાલામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સેના, પોલીસ અને એસઓજીના જવાનોએ વિસ્તારને કોર્ડન કરીને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
આ સાથે જ અહીં રહેણાંક વિસ્તાર હોવાના કારણે સુરક્ષા દળોએ સાવચેતી રાખીને ઓપરેશન પાર પાડ્યું હતું. દરમિયાન આ અથડામણમાં સેનાના બે જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી, તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.