મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર
ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં સર્ચ દરમિયાન નક્સલીઓએ હોક ફોર્સ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હોક ટીમે જવાબી કાર્યવાહી કરી. આ એન્કાઉન્ટરમાં હોક ફોર્સ દ્વારા ભોરભ દેવ એરિયા કમાન્ડર સુનીતા અને ખાટિયા મોર્ચ એરિયા કમાન્ડર સરિતા માર્યા ગયા હતા. સુનીત અગાઉ ટાડા દલમમાં હતો અને હાલમાં વિસ્તાર દલમ માટે કામ કરે છે. સરિતા કબીર સાથે ગાર્ડનું કામ કરતી હતી. બંને મહિલા નક્સલવાદીઓ પર 14-14 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
મહિલા નક્સલવાદીઓ પાસેથી બે બંદૂકો, કારતૂસ, ખાદ્યપદાર્થો સહિત રોજિંદા ઉપયોગની વસ્તુઓ મળી આવી છે. આ એન્કાઉન્ટરમાં વધુ નક્સલવાદીઓ ઘાયલ થયા છે, જેમની પોલીસ અને હોક ફોર્સના જવાનો શોધી રહ્યા છે. બાલાઘાટ આઈજી સંજય કુમાર, એસપી સમીર સૌરભ અને હોક ફોર્સના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરુ કર્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી સુરક્ષા જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. જ્યારે અનેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે.