પટણાઃ કટિહાર જિલ્લામાં વીજળી મામલે વિરોધ કરી રહેલા ગ્રામજનોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. રોષે ભરાયેલા લોકો વીજળીની ઓફિસમાં ઘૂસી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યો હતો દરમિયાન લોકોએ ભારે પથ્થરમારો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
સમગ્ર ઘટનાને લઈને વિપક્ષના નેતા વિજય કુમાર સિંહાએ કહ્યું કે, આ ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે બિહારમાં અરાજકતાનું વાતાવરણ છે. બિહાર સરકાર પોતાના હક માટે અવાજ ઉઠાવનારાઓને કાં તો લાકડીઓ વડે ફટકારે છે અથવા તો તેમને ગોળી મારી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકો સતત પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે નૈતિકતાના આધારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
વિપક્ષના નેતાએ કહ્યું કે, હવે રાજ્ય સરકાર લાકડીઓ અને ગોળીઓના જોરે બિહાર પર રાજ કરવા માંગે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે પણ બારસોઈ ઘટના માટે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યું કે હવે બિહારમાં પ્રશાસન અને પોલીસ અધિકારીઓ સરકારની પકડથી બેલગામ બની ગયા છે. બીજી તરફ, ઘટના બાદ પુરૂષ ધારાસભ્ય મહેબૂબ આલમે પણ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે અને પીડિત પરિવારના પરિવારજનોને રાજ્ય સરકાર પાસેથી 20-20 લાખ રૂપિયા વળતરની માંગ કરી છે.