રાયપુરઃ છત્તીસગઢના ઘણા વિસ્તારો નક્સલીઓ માટે જાણીતા છે અવાર નવાર નક્સલી હુમલાઓ અને અથડામણની ઘટના અહીથી સામે આવતી હોય છે ત્યારે આજે સવારે છત્તીસગઢના સુકમામા સેના અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં બે નક્સલીઓ ઠાર કરાયા હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાડમેટલા અને ડુલેદ ગામોના જંગલમાં આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળોએ જગરગુંડા એરિયા કમિટીના સોઢી દેવા અને રવા દેવા નામના બે નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે માર્યા ગયેલા બંને નક્સલવાદીઓના માથા પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તાડમેટલા અને દુલેદ ગામના જંગલમાં જગરગુંડા એરિયા કમિટીના 10-12 નક્સલવાદીઓની હાજરીની માહિતી પર, DRG, જિલ્લા દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં રવાના કરવામાં આવી હતી
આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો તાડમેટલા અને ડુલેદ ગામો વચ્ચેના જંગલમાં હતા ત્યારે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો. જે બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે થોડીવાર સુધી બંને તરફથી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં, જ્યારે સુરક્ષા દળોએ સ્થળની તપાસ કરી, ત્યારે બે નક્સલીઓના મૃતદેહ, એક 12 બોરની ડબલ બેરલ રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે 28 જૂને ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષાદૂત કાવાસી સુક્કા અને તાડમેટલા ડેપ્યુટી સરપંચ માડવી ગંગાની હત્યા અને 31 ઓગસ્ટે પોલીસ બાતમીદારની શંકાના આધારે કોરસા કોસાની હત્યા જેવા ગુનાઓ માર્યા ગયેલા નક્સલવાદીઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યા હતા.