નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. બંને આતંકવાદીઓની લાશ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આતંકવાદીઓની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. મોડી રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ સવારે પણ ચાલી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કુલગામના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ ઉપરાંત વિસ્તારમાં પ્રવેશ અને બહાર જવાના માર્ગ સીલ કરી દેવામાં આવ્યો હતો. સખ્ત ઘેરાબંધીને જોઈને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો ઉપર આડેધડ ગોળીબાર કર્યો હતો. આજે સવાર સુધી તેમની વચ્ચે અથડામણ ચાલી રહી હતી.
શનિવારે સાંજે પૂંચ જિલ્લાના સુરનકોટ તહસીલના દન્ના શાહસિતાર વિસ્તારમાં એરફોર્સના વાહનો પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં પાંચ એરમેન ઘાયલ થયા હતા. ઘાયલોમાં વિકી પહાડે શહીદ થયા હતા. હુમલા બાદથી સુરનકોટ અને મેંધરના 20 કિમી વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી. સુરક્ષા દળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન કર્યું હતું. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને એસઓજીના એક હજારથી વધુ જવાનોએ આ વિસ્તારમાં પોઝીશન જાળવી રાખી છે.
સોમવારે સેનાએ બે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા હતા. આ આતંકવાદીઓના ઠેકાણા વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સાથે કેટલાક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)