Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ,3 જવાનો શહીદ,સર્ચ ઓપરેશન ચાલુ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓને શોધવા માટે વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના હલ્લાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ સેનાના જવાનોએ ઘેરો ઘાલ્યો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાનોએ ક્રોસ ફાયરિંગ કર્યું અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

શ્રીનગર સ્થિત આર્મીના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “કુલગામના હલ્લાનના ઉચ્ચ વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ 4 ઓગસ્ટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.”

ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓના ગોળીબાર બાદ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ એન્કાઉન્ટરમાં સેનાના ત્રણ જવાનોને ગોળી વાગી હતી, જેઓ બાદમાં મૃત્યુ પામ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.”

આતંકવાદી હુમલા માટે શ્રીનગરમાં ઘૂમી રહેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)ના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કબજામાંથી ત્રણ હેન્ડ ગ્રેનેડ, 10 પિસ્તોલ કારતૂસ, 25 એકે-47 કારતૂસ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે. બાતમી મળ્યા બાદ પોલીસે હરનબલ નાટીપોરા ખાતે TRF સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી.