Site icon Revoi.in

ગાંધીનગરમાં ધરણાં કરવા જતા કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધાનાણીને થઈ ઈજા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને લીધે થયેલા નુકસાનની ભરપાઈમાં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. બેઠક બાદ  કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણાં યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પરેશ ધાનાણીને માથામાં ઈજા થઈ હતી. જ્યારે 26 જેટલા ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી.

તાઉ-તે વાવાઝોડા દરમિયાન માછીમારોને પૂરતું વળતર ન અપાયું હોવાનો કોંગ્રેસ દ્વારા  આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના માટે સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા સંકુલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ભેગા થવાના હતા. તે પહેલાં જ પોલીસ આવી અને બધાને રોક્યા ત્યારે ઝપાઝપી થઈ હતી. જેમાં પરેશ ધાનાણીને ઇજા થઈ હતી જ્યારે અન્ય તમામને પોલીસે ડિટેઇન કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો તથા કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો.  દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેને જણાવ્યુ હતુ કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તાઉતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તાઉતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું. રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને પગલે ઉના, દિવ, જાફરાબાદ અને ભાવનગરના મહુવામાં ભારે તારાજી થઈ હતી. આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા .