Site icon Revoi.in

છત્તીસગઢના બીજાપુરમાં CRPFના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ એક જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ઉસૂર બ્લોકમાં તિમ્માપુરમને અડીને આવેલા પુટકેલ જંગલોમાં થયું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાનું જાણવા મળે છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે અને એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF 168 બટાલિયનના જવાનો બીજાપુરના ઉસૂર બ્લોકમાં પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન તિમ્માપુરને અડીને આવેલા પુટકેલ જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. CRPF 168 બટાલિયન અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં ઝારખંડના રહેવાસી આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એસબી તિર્કી શહીદ થયા છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. એન્કાઉન્ટરની આ ઘટના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

બીજાપુરના એસપી કમલોચન કશ્યપે જણાવ્યું કે તેમને મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરીની માહિતી મળી હતી. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. બેકઅપ પાર્ટી પણ રવાના કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં છે. માઓવાદીઓ છેલ્લા ત્રણ દિવસથી સતત વિવિધ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બીજાપુરમાં ગઈકાલે જ એક ખાનગી કંપનીના એન્જિનિયર અને તેના સહયોગીનું નક્સલવાદીઓએ અપહરણ કર્યું હતું.