જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, બે આંતકી ઢેર
- જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો
- સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે એન્કાઉન્ટર
- સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઢેર
- સુરક્ષાદળોને મળી મોટી સફળતા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ટિકન વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળોએ કરેલી એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને બંને તરફ ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ આખો વિસ્તાર ખાલી કરી દીધો છે. ફાયરિંગમાં એક નાગરિક ઘાયલ થયો છે,જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને ટિકન ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સેનાના 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોતાને ઘેરાયેલું જોઇને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આતંકવાદીઓના ફાયરિંગના જવાબમાં સુરક્ષાદળોએ પણ મોરચો સંભાળી લીધો હતો અને પાછું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હાલમાં, આતંકવાદીઓની કુલ સંખ્યા અને કોઈ પણ સંગઠન સાથેના તેમના જોડાણ વિશેની માહિતી પ્રાપ્ત થઇ નથી.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના નગરોટા વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. નગરોટા પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મેજ પંપોર વિસ્તારમાં 6 નવેમ્બરના રોજ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એનકાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો હતો,જ્યારે એક આતંકવાદીને સરેન્ડર કરવા મજબુર પણ કરવામાં આવ્યો હતો.
_Devanshi