રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ
ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની પરીક્ષા 15.39 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ આપશે.
ધોરણ- 10 અને 12ની પરીક્ષા આપનાર રાજયના સર્વે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં ઘોરણ- 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ પરીક્ષામાં વિઘાર્થીઓને કોઇપણ તકલીફ ન ઉભી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં આજે ઘોરણ- 10 અને 12ની પરીક્ષા 1634 કેન્દ્ર ખાતે 5378 બિલ્ડીંગમાં અને 54294 બ્લોકમાં યોજાશે. આ પરીક્ષા રાજયના 15,39,039 વિદ્યાર્થીઓ આપશે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક CCTV થી સજ્જ છે. તમામ જિલ્લામાં જિલ્લા સંકલન સમિતિના વર્ગ 1 અને 2 ના અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા સંદર્ભે પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
આજે પરીક્ષા આપનાર સર્વે વિઘાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનઓ પાઠવી રાજય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે, ઘોરણ- 10ની પરીક્ષા 981 કેન્દ્ર ખાતે 3184 બિલ્ડીંગમાં 31829 બ્લોક વપરાયેલ છે, જેમાં 9.18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે.ઘોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્ર ખાતે 614 બિલ્ડીંગમાં 6714 બ્લોક વપરાયેલ છે, જેમાં 1,32,073 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.ઘોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 506 કેન્દ્ર ખાતે 1580 બિલ્ડીંગમાં 15751 બ્લોક વપરાયેલ છે, જેમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરુ કરવામાં આવેલ છે. બોર્ડ પરીક્ષા સંદર્ભે તણાવમુકિત માટે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકે તે અર્થે હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. જેનો ટોલ ફ્રી નંબર 1800 233 5500 છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે છે.