ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે,
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12નું પરિણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓ ઉત્તરવહિઓમાં ગુણ ચકાસણી કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુણ ચકાસણી કરાવવા માગતા વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે તો ઓનલાઈન અરજી કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 12ના પરિણામ બાદ જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી કરાવવા ઈચ્છે છે તે 13 મેથી 20 મે 2024 સુધી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર અથવા hsc.bseb.org પર રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે. ગુણચકાસણી માટે અરજીની નક્કી કરેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ સિવાય એસબીઆઈ બ્રાન્ચમાં પણ વિદ્યાર્થીઓ ફી ભરી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે અરજી કરી શકશે.
શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું કે જે વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાની ઓએમઆરની નકલ મેળવવા ઈચ્છતા હોય તેમણે તા. 20 મે સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે માટે પણ ઓનલાઈન ફી ભરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે સાંજે 5 કલાક સુધીની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા વધુ આવ્યું છે. છતાં ઘણા વિદ્યાર્થીઓએ પોતે ધારેલા માર્ક્સ કરતા ઓછા માર્ક્સ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ નિયત ફી ભરીને બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.