અમદાવાદઃ રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ અટકાવવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે આકરા કાયદા બનાવ્યાં છે અને તેનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે એટલું જ નહીં ચાલુ મહિનામાં જ તંત્ર તલાટી-કમ-મંત્રીની ભરતીની પરીક્ષાનું આયોજન કરી રહી છે. ત્યારે હવે આણંદની એક સ્કૂલમાં ધો-8ની પરીક્ષાના તમામ પેપર ફ્ટયાની ઘટના સામે આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સ્કૂલ સંચાલકોએ તપાસ શરૂ કરી છે. પરંતુ સ્કૂલના પેપર ફુટવાની ઘટનાને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ આ સમગ્ર ઘટનામાં સ્કૂલના જ કોઈ સ્ટાફની સંડોવણીની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આણંદના મોગરીમાં આવેલી ખાનગી શાળામાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો-8ની પરીક્ષાનું પેપર ફુટ્યું હોવાની ઘટના સામે આવી છે. ધો-8ની પરીક્ષાના તમામ પેપર ફુટ્યાંનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવની જાણ થતા વાલીઓ પણ સ્કૂલ દોડી ગયા હતા. તેમજ સ્કૂલ સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્કૂલ સંચાલકોએ પણ ધો-8ના પેપર ફુટ્યાનું સ્વિકાર્યું છે. તેમજ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની વાલીઓને ખાતરી આપીને સમગ્ર ઘટનાની ગંભીરતા પુર્વક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું. ધો-8ના તમામ પેપર ફટવાની ઘટના અંગે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ એક સ્કૂલના પ્રિન્સીપાલે તમામ પેપર ફોડ્યાનો આક્ષેપ કર્યો હતો.