1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ માંગવી ભારે પડી, ACBના છટકામાં ઝડપાયા
ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ માંગવી ભારે પડી,  ACBના છટકામાં ઝડપાયા

ગાંધીનગરમાં ક્લાસ-1 અધિકારીને રૂપિયા 15 લાખની લાંચ માંગવી ભારે પડી, ACBના છટકામાં ઝડપાયા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં નાના કર્મચારીઓ જ નહીં પણ ક્લાસ-વન અધિકારીઓ પણ ખૂલ્લેઆમ લાંચ માગતા થયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાટનગર ગણાતા ગાંધીનગરમાં ક્લાસ વન અધિકારી રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાટનગરના શેરથા હાઈવે પર આવેલા બે ફાઇનલ પ્લોટના પઝેશન આપાયા બાદ બંને પ્લોટના ફાઇનલ પ્લોટનો અભિપ્રાય આપવા માટે ટાઉન પ્લાનર દ્વારા રૂ. 15 લાખની લાંચ માગવામાં આવી હતી, જેને લઈને ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં ફરિયાદ કરી હતી, જેથી શુક્રવારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં ટાઉન પ્લાનર અને પ્લાનિંગ આસિસ્ટન્ટને રૂ. 15 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર તાલુકાના શેરથા ગામમાં આવેલા બે પ્લોટના પઝેશન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ બંને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદી દ્વારા ગુડાની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને ગુડા દ્વારા નગર રચના અધિકારીના અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. જ્યાં વર્ગ 1 તરીકે ફરજ બજાવતા ટાઉન પ્લાનર નયન નટવરલાલ મહેતા (રહે. 82, નીલકંઠ વિલા, ડીપીએસ રોડ, નોર્થ બોપલ, અમદાવાદ) દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી, જેને લઈને ફરિયાદી દ્વારા ગાંધીનગર એસીબી કચેરીમાં અરજી કરવામાં આવી હતી.

ફરિયાદ મળતા જ ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ. કે. પરમારના સુપરવિઝનમાં એસીબી પીઆઈ એચ. બી. ચાવડા દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. શુક્રવારે સાંજના સમયે ટાઉન પ્લાનર નયન મહેતા સેક્ટર 10 સ્થિત નગર નિયોજનની કચેરીમાં પોતાની ચેમ્બરમાં હતા તે દરમિયાન ફરિયાદી રૂપિયા 15 લાખ લઈને પહોંચ્યા હતા. જ્યાં નયન મહેતાએ 14 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે એક લાખ રૂપિયા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 નગર રચના અધિકારીની કચેરી ગુડા સેક્ટર 11માં ફરજ બજાવતા સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા (રહે. 155/1 ચ ટાઇપ, સેક્ટર 17 ગાંધીનગર) દ્વારા લેવામાં આવ્યા હતા. બંને અધિકારી અને કર્મચારી દ્વારા સેક્ટર 10માં આવેલી કચેરીમાં જ રૂપિયા લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. ફરિયાદીની પત્નીના નામે શેરથા ગામમાં કલેક્ટરે બે પ્લોટની ફાળવણી કરી હતી, જેના ફાઇનલ માપ માટે અરજી કરવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સેક્ટર 10માં આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરીમાં વર્ગ 1માં ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા નયન મહેતાને નગરરચના અધિકારી કચેરી ગુડાના ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેમને જ અભિપ્રાય આપવાનો હતો. જ્યારે આસિસ્ટન્ટ તેમના હાથ નીચે ફરજ બજાવતો હતો. શેરથા ગામ પાસેના હાઈવે પર આવેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોવાથી જમીનનું ફાઇનલ માપ કરાવવાનું હોય છે, જેને લઇને ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી, પરંતુ અધિકારી દ્વારા 15 લાખની લાંચ માગવામાં આવતા તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code