સુરતમાં સિવિલ હોસ્પિટલના વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, રસ્તો બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો
સુરતઃ શહેરમાં નવી સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓએ સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સફાઈ કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે. તેમની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે.
સુરત શહેરની સિવિલ હોસ્પિટલ આજે ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. સુપ્રિટેન્ડેન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. સફાઈ કર્મચારીઓની એવી માંગ છે. કે, જે પગાર વધારો કરવામાં આવ્યો છે, તે પ્રમાણે પગાર વધારો થયો નથી. જ્યાં સુધી પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે. સફાઈ કામદારોની હડતાળને લીધે હોસ્પિટલમાં સફાઈનું કામ ખોરંભે પડી ગયુ છે.
સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, છ મહિના પહેલા પણ પગાર વધારો કરવામાં આવ્યો હતો, જે આપવામાં આવ્યો નથી. જ્યારે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા સૂચન પ્રમાણે પણ પગાર વધારો કરવામાં આવ્યો નથી. સફાઈ કર્મચારીઓને કુલ 21,000 જેટલો પગાર મળવો જોઈએ, તેની જગ્યાએ અત્યારે 12,000 જેટલો પગાર મળી રહ્યો છે. આ સાથે જ રાજકોટમાં વધુ પગાર મળતો હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ હડતાળ પાડવામાં આવી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ દ્વારા આજે સુપરિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ અમારી માગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ એમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુરત સિવિલ હોસ્પિટલના ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. જે રાજકોટ સિવિલમાં પગાર વધારો કરવામાં આવ્યો છે, તે પ્રમાણે સુરત સિવિલમાં સફાઈ કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવ્યો છે. હાલ સુરત સિવિલના કર્મચારીઓના ખાતામાં 12,000 જેટલો પગાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે બાકીની રકમ ઈસીએસઆઇમાં જઈ રહી છે. એમ કુલ સફાઈ કર્મચારીઓને 16,000 જેટલો પગાર આપવામાં આવી રહ્યો છે. સફાઈ કર્મચારીઓની હડતાલ ગેર વ્યાજબી છે. સફાઈ કર્મચારીઓને બોલાવીને સમજાવવામાં આવશે. સફાઈ કર્મચારીઓની હડતાલને કારણે સિવિલ હોસ્પિટલમાં જ્યાં જરૂર પડે ત્યાં અલગથી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે.