ધો.1થી 5ના વર્ગો કાલે તા.22મીને સોમવારથી શરૂ થશે. શાળાઓ નાના બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લઈને ધો. 6થી12ની શાળાઓ તેમજ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની મંજુરી આપતા શાળાઓ બાળકોના ખીલખીલાટથી ગુજી ઊઠી હતી. ત્યારે બાદ ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવાની પણ માગ ઉઠી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થોડા વધારો થતા એમ લાગતું હતું કે, સરકાર ધો. 1થી5ના વર્ગોને ફલાઈન શિક્ષણની મંજુરી નહીં આપે, પરંતુ ગુજરાત સરકારે આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની શાળાઓ ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી. જો કે હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.
રાજ્યમાં કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી બંધ રહેલા પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી ખુલશે રાજ્યના શિક્ષણમંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી શાળાઓ ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.
કેટલાક શિક્ષણવિદોએ સરકારને સુચન કર્યું હતું કે, ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોની હાલની મનોસ્થિતિ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. ઓનલાઈન શિક્ષણ નાની ઉંમરના બાળકો માટે ખાસ અસરકારક રહ્યું જ નથી. આવા બાળકો સતત મોબાઈલમાં કે ઇલેકટ્રોનિકસ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે એકાગ્રતાથી કામ કરી શકતા નથી. વાલીઓને બાળકો પાસે બેસવાનો સમય નથી, જેથી બાળકો સ્કૂલ દ્વારા ઓનલાઈન આપવામાં આવતા શિક્ષણથી દૂર રહે છે. તેમની માનસિક પરિસ્થિતિ શાળામાંથી મોકલવામાં આવતા વિડીયો કે ઓનલાઈન શિક્ષણને બરોબર સમજી શકવાની નથી. એટલે ઓફલાઈન શિક્ષણ આપવું જ હિતાવહ છે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી,.તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓથી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, આખરે સરકારે આવતીકાલ તા.22મીને સોમવારથી ધો.1થી5ના વર્ગો શરૂ કરવાની મંજુરી આપી દીધી છે.