Site icon Revoi.in

ક્લાઉડિયા શિનબામ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યાં

Social Share

નવી દિલ્હીઃ પર્યાવરણ સાયન્ટિસ્ટ ક્લાઉડિયા શિનબામે મેક્સિકોની ચૂંટણીમાં મોટી જીત મેળવી ઈતિહાસ રચ્યો. તેમણે મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 61 વર્ષની ઉમરે મેક્સિકોના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી વધુ વોટ મેળવીને તેમણે રેકોર્ડ બનાવ્યો છે. 82 ટકા મતોની ગણતરી બાદ તેમને 58.8 ટકા મત મળ્યા હતા. તેઓ અગાઉ મેક્સિકો સિટીના મેયર પણ રહી ચૂક્યા છે.

મેક્સિકોની સામાન્ય ચૂંટણી જીત્યા બાદ ક્લાઉડિયાએ જનતાનો આભાર માન્યો હતો. તેણીએ કહ્યું કે, દેશના પ્રજાસત્તાકના 200 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત હું મેક્સિકોની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનીશ. અમે વૈવિધ્યસભર લોકતાંત્રિક મેક્સિકો જીતી લીધું છે. આપણે ન્યાયી બનાવવા માટે શાંતિ અને સંવાદિતા સાથે આગળ વધવું જોઈએ.

2007માં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર યુએન આબોહવા વૈજ્ઞાનિકોની પેનલનો તેઓ એક ભાગ હતા. તેમના વિજય ભાષણમાં તેમણે વર્તમાન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરનો આભાર માન્યો અને તેમને અસાધારણ માણસ કહ્યા. તેમણે કહ્યું કે, લોપેઝે મેક્સિકોના ભલા માટે ઘણું કામ કર્યું છે.