Site icon Revoi.in

અમદાવાદમાં સ્વચ્છતા ઝૂંબેશ, AMCએ સાડાત્રણ મહિનામાં 1.57 કરોડનો દંડ વસૂલ્યો

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નર સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. શહેરના રોડ-રસ્તાઓ, બગીચાઓ સહિત પબ્લિક પ્લેસને સ્વચ્છ રાખવા માટે અવાર-નવાર અધિકારીઓને સુચના આપતા હોય છે. દરમિયાન છેલ્લા ચાર મહિનાથી શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંભેશ હાથ ધરવામાં આવી છે.  જે અંતર્ગત જાહેર રોડ ઉપર તેમજ  દુકાન કે ફેક્ટરી અથવા તો સોસાયટી ફ્લેટની બહાર ગંદકીના ઢગલા જોવા મળે તો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જાહેર રોડ ઉપર કચરો ફેંકીને  ગંદકી કરનારા વેપારીઓ સામે દુકાન કે ફેક્ટરીને સીલ કરવા સુધીની કડક કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાડા ત્રણ મહિનામાં 1.57 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે અને 1084 દુકાન-ઓફિસ સીલ કરી હતી. અમદાવાદમાં કોમર્શિયલ યુનિટો વધુ ગંદકી કરતા ઝડપાયા છે.

અમદાવાદ શહેરને સ્વચ્છતાનો એવોર્ડ અપાવવા માટે મ્યુનિ.કમિશ્નર પ્રયત્ન કરી રહ્યા છે. અને સૌ પ્રથમ શહેરને સ્વચ્છ બનાવવા સોલી વેસ્ટ વિભાગને સુચના આપી હતી. ત્યારે બાદ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સ્વચ્છતા અંગે ઝૂંબેશ આદરવામાં આવી છે. જેમાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં જાહેર રોડ પર ગંદકી-કચરો ફેંકવા બદલ કુલ રૂ.1 કરોડનો દંડ વસૂલ કરાયો છે. 1064 જેટલી દુકાન-ઓફિસ વગેરેને સીલ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં સૌથી વધારે સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરવી, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકવો વગેરે મળી કુલ 1.57 કરોડ રૂપિયાનો દંડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

સોલિડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જોહેર રોડ-રસ્તાઓ પર કચરો ન ફેંકવા નાગરિકોને અપિલ કરવામાં આવી છે. દરેક જગ્યાએ જાહેર રોડ ઉપર ડસ્ટબિન મૂકવામાં આવ્યાં છે, તેમજ દરેક દુકાનદારો અને રહેણાક સોસાયટીના લોકોને વિનંતી છે કે, જે ડોર ટુ ડોરની ગાડી આવે છે તેમાં જ કચરો આપવામાં આવે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસનની સૂચના મુજબ સ્વચ્છતા જાળવવા માટે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા સાડા ત્રણ મહિના દરમિયાન રહેણાક વિસ્તારમાંથી રૂ.36 લાખ, કોમર્શિયલ એકમો પાસેથી રૂ.97 લાખનો દંડ વસૂલ કર્યો છે. સીલ કરવાની પણ કાર્યવાહી કડકરૂપે કરવામાં આવી છે. જેમાં કુલ 1084 જેટલા એકમોને સીલ કર્યા છે. જેમાં સૌથી વધારે એપ્રિલ મહિનામાં 471, માર્ચ મહિનામાં 348 અને 14 મે સુધી 226 જેટલી જગ્યાને સીલ કરવામાં આવી છે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં પણ જો કોઈ વ્યક્તિ કચરો નાખે છે તો તેમની પાસેથી કુલ 2.26 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માત્ર જાહેર રોડ ઉપર ગંદકી કરવી તેની જ નહીં પરંતુ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જે પણ દુકાન કે લારી-ગલ્લાવાળા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમની પાસેથી કુલ 44 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.