અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં અનેક શહેરો-નગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતિત બન્યાં હતા.
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં તા. 10 અને 11મી ડિસેમમ્બરમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં સવારથી આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો હતો. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં માવઠું પડતા જગતના તાત એવા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
અમદાવાદ શહેરના શિવરંજની, સેટેલાઈટ, શ્યામલ વિસ્તાર, પ્રહલાદ નગર, એસજી હાઈવે, આનંદ નગર, રામોલ, બાપુનગર, ઘોડાસર, ઓઢવ, નિકોલ, મણિનગર, અમરાઈવાડી, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.