દિલ્હીઃ રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વખતે પ્રથમવાર રાજસ્થાનના સીકરના ફતેહપુરમાં તાપમાન માઈનસમાં ચાલ્યું ગયું છે. અહીં વૃક્ષો અને પત્તા ઉપર બરફ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું છે. આવી જ રીતે ચુરુ અને માઉન્ડ આબુમાં પણ ઠંડીનો પારો શૂન્ય સુધી પહોંચ્યો છે. જેસલમેરના ચાંધનમાં તાપમાન 0.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે રાજસ્થાનમાં શીત લહેરની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં સીકર, ઝૂઝનુ, ચુરુ, હનુમાનગઢ, અલવર, દૌસા, ભરતપુર, ધૌલપુર સહિત રાજસ્થાનના 12 જિલ્લામાં વોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ફતેહપુર શેખાવાટીમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું છે. રણ વિસ્તારના નળોમાં પાણી બરફમાં ફેરવાયું છે. શેખાવટીમાં ઉનાળામાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચે છે. જ્યાં હાલ તાપમાન માઈનસ 3.8 ડિગ્રી સેસ્લિયસ સુધી પહોંચ્યું છે. વૃક્ષો ઉપર ઝાકળ પણ બરફમાં ફેરવાઈ છે.
હવામાન વિભાગે અંચલમાં હવે 20મી ડિસેમ્બર સુધી કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરી છે. શનિવારે સીકર અને ઝુંઝુનુમાં ભારે શીતલહેર તથા અલવરમાં શીતલહેરની શકયતા છે. આવી જ રીતે પશ્ચિમી રાજસ્થાનના બિકાનેર, ચુરુ અને હનુમાન ગઢ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે દેશના અન્ય રાજ્યોમાં શીતલહેર ફરી વળી છે. રાજસ્થાન અને ગુજરાતમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. હજુ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.