Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કચ્છના ભચાઉમાં કરા પડ્યાં હોવાનું જાણવા મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદની આગાહી કરી છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તેમજ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. ધુળની ડમરી ઉડવાની સાથે અમુક જગ્યાએ અમી છાંટણા પણ થયા હતા. કચ્છના ભચાઉમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉમાં ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ પણ વ્યકત કરી હતી. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

બે દિવસ વાદળછાંયા વાતાવરણ બાદ ફરી અગનવર્ષા વર્ષે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. પારો ફરી 41 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શકયતા હાલ વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તેમજ બપોરના સમયે કામ વગર ઘર કે ઓફિસમાંથી બહાર જવાનું પણ ટાળે છે.