અમદાવાદઃ ગુજરાતના શિક્ષણમાં ક્લાઇમેટ ચેન્જને એક વિષય દાખલ કરવાની યોજના છે. જેના માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રયત્નશીલ છે. સાયન્સ સિટીમાં ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે લીધેલા પગલાઓને પ્રવર્તમાન રાજ્ય સરકાર પરિણામ લક્ષી રીતે આગળ વધારી રહી છે. કલાઈમેટ ચેન્જ એ વૈશ્વિક પડકાર છે અને વિશ્વ આખું તેનો સામનો કરી રહ્યું છે. ઋતુઓમા બદલાવ અને તેના પગલે કુદરતી હોનારતો સર્જાઈ રહી છે. તેના માટે કલાઈમેટ ચેન્જ જવાબદાર છે. સાથો- સાથ અનેક પ્રકારના રોગોનો આપણે સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બધી વિપરીત પરિસ્થિતિના પડકાર માટે ગુજરાત કટિબદ્ધ બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાની પરિસ્થિતિમાં 100 ટકા રસિકરણની કામગીરી ગુજરાત રાજ્યે કરી છે. આજથી 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરું કર્યું છે. વિધાર્થીઓ શાળા કોલેજોમાં જઈને તેમની સર્જનાત્મક શક્તિઓ ખીલે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્યરત છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ પણ કલાઈમેટ ચેન્જને એક વિષય તરીકે દાખલ કરવા પ્રયત્નશીલ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરી દેશ અને દુનિયાને આગવી દિશા દર્શાવી છે. રાજ્ય સરકારે આ કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં છેલ્લાં 12 વર્ષમાં ઉત્તરોતર વધારો કર્યો છે. આ વર્ષે બજેટમાં 910 કરોડની જોગવાઇ સરકારે કરી છે. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, જી.ટી.યુ ના વાઇસ ચાન્સેલરો, IIM અમદાવાદના ડીરેકટર તેમજ દેશ-વિદેશનાં કલાયમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સંશોધન કર્તાઓ તજ્જ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા. જેમાં યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., આઇ.આઇ.એમ-અમદાવાદ, આઇ.આઇ.ટી- ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, પી.ડી.પી.યુ., સાયન્સ સિટી, ટેક્નિકલ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુઝલોન ગુજરાત વિન્ડ પાર્ક લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ થયા છે.