બનાસકાંઠામાં મેઘો બન્યો આફતરૂપ, અમીરગઢમાં નાળું તૂટતા ત્રણ ગામો બન્યા સંપર્ક વિહોણા,
પાલનપુરઃ બિપરજોય વાવાઝોડા બાદ ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેમાં અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પાલનપુર-દાંતીવાડામાં પણ 6-6 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાની અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં 3 ગામો સંર્પક વિહોણા બન્યાં હતાં. જેથી લોકોને હાલાકી પડી રહી છે. જોકે, ભારે વરસાદ પડતા બનાસ નદીમાં નવા નીરની પણ આવક થઈ છે. તેમજ ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકની લાશ હાથ લાગી હતી. આ ઉપરાંત ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી 15થી વધુ પશુનાં મોત થયાં હતાં.
બિપરજોય વાવાઝોડા બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઘોઘમાર વરસાદ પડ્યો છે. ઉપરાંત રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડતા સરહદી જિલ્લા બનાસકાંઠામાં પશુધન અને માલ-મિલક્તને ભારે નુકશાન થયું છે.રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે ધાનેરાના વિંછીવાડી ગામમાં પાણી ઘૂસ્યું હતું. જેમાં ગામના ત્રણ યુવકો ડૂબી ગયા હતા. જો કે, બે યુવકો પોતાની જાતે બહાર નીકળી જતા બચી ગયા હતા. પરંતુ, એક યુવક લાપતા થતા NDRFની ટીમે બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ખાબક્યો છે. જિલ્લાના અમીરગઢમાં 8 ઈંચ, પાલનપુરમાં 6 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ, ડીસામાં 5.5 તેમજ દિયોદરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે. ખાસ કરીને બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનેરાના જડિયા ગામના હાલ બેહાલ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં સ્થાનિક વહેણના પાણી જડિયા ગામમાં ઘૂસ્યાં હતાં. ગામમાં અનેક મકાનો અને તબેલાઓ તૂટ્યાં છે. તેમજ 15થી વધુ પશુઓનાં મોત થયાં છે. જડિયા સરકારી હોસ્પિટલ અને શાળાની દીવાલો તૂટી છે. જડિયા ગામમાં ગોશાળામાં પાણી ઘૂસ્યાં હતાં. જેથી ગૌશાળાની તમામ દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે. પાણીના વહેણનું જોર વધુ હોવાના કારણે જડિયા ચારડા સહિતનાં ગામોમાં ભારે નુકસાન થયું છે. જેને પગલે વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનાઓ ધાનેરામાં દોડી આવ્યા હતા. ધાનેરાથી રાજસ્થાનને જોડતો જડિયા ગામનો માર્ગ ધોવાયો છે. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. ગામમાં વરસાદી પાણી ઘૂસી આવતા રોગચાળાની પણ દહેશત ઉભી થઈ છે.