નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે.
શાહબાઝ શરીફ પહેલાથી જ વધતી જતી મોંઘવારીથી પીડિત દેશ અને IMF તરફથી ફંડ રિલીઝ ન કરવાના પડકારનો સામનો કરી રહ્યા છે. હવે તેમની પોતાની ભત્રીજીના કારણે સરકાર બચાવવાનો પડકાર પણ તેમની સામે આવી રહ્યો છે. મરિયમ નવાઝે તાજેતરમાં રજૂ કરેલા મિની બજેટ પછી કહ્યું હતું કે, “નવ પક્ષોની આ ગઠબંધન સરકાર અમારી નથી. અમારી સરકાર નવાઝ શરીફની હશે.
માત્ર મરિયમ જ નહીં, પાર્ટીના ઘણા નેતાઓએ પણ સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, પીએમએલ-એનના નેતા શાહિદ ખાકાન અબ્બાસીએ પણ વિરોધમાં રાજીનામું આપવાની ઓફર કરી છે. તે જ સમયે, પાર્ટીના વરિષ્ઠ નેતા અને ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર સરદાર મહતાબ અહેમદ ખાને પણ પાર્ટી નેતૃત્વનો વિરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાનખાન સરકારના પતન બાદ શહબાઝ શરીફની આગેવાનીમાં નવી સરકાર બનાવી હતી. શરીફ સત્તામાં આવ્યાં બાદ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે સંકટ બની છે. હાજ પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે, પેટ્રોલ-ડીઝલ, દૂધ, અનાજ અને અન્ય જીવન જરૂરી ચીવજસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યાં છે. રાજકીય આગેવાનોએ પ્રજાને મુશ્કેલીમાંથી બહાર કાઢવાને બદલે એક-બીજા ઉપર પાકિસ્તાનની સ્થિતિને લઈને આભેપબાજી કરી રહ્યાં છે.