અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ચાર કલાકના સમયગાળામાં 92 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં મહિસાગરના લુણાવાડામાં 4 ઇંચ, મોડાસમાં, મહિસાગરના વિરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત દાંતામાં 2.5 ઇંચ, ધનસુરા, તલોદ, પ્રાંતિજમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વીજાપુર, ઉંઝા, બાયડ, તાપીના ડોલવણ, સંતરામપુર, વિસનગર, માણસા, શહેરા, સનેજી, બાલાસિનોર, મેઘરજ, માલપુર, કડાણા, પાટણના સરસ્વતી, જલાલપુર, મહિસાગરના ખાનપુર, નવસારી અને કોડીનારમાં 1 થી દોઢ ઇંચ જેટલો વરસાદ થયો હતો.
વરસાદને કારણે રાજ્યના 22 જળાશયો સંપૂર્ણ છલકાઇ ગયા છે. જે પૈકી 15 જળાશયો સૌરાષ્ટ્રમાં આવેલા છે. હાલ રાજ્યના અન્ય 207 ડેમમાં 46.57 ટકા જેટલો પાણીનો જથ્થો છે. રાજ્યમાં મેઘમહેર યથાવત રહી છે. 24 કલાક દરમિયાન રાજ્યના 245 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાટણના સાંતલપુરમાં 6.5 ઇંચ, કોડટાસાંગાણી અને માણસામાં 6 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અબડાસા, સુઇગામ, ઉપલેટા, ખંભાળિયા અને તલોદમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જુનાગઢના વંથલી અને દહેગામમાં ચાર-ચાર ઇંચ, ગોંડલ, બરવાળા, ચોટીલા, ગઢડા, કેશોદ, નડીયાદ , કેશોદ, રાપર, પ્રાંતિજ અને કડીમાં ત્રણથી 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યના 81 તાલુકાઓમાં એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શકયતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતીભારે વરસાદ વરસવાની શક્યતા છે.