અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ ગરમીમાં વધારો થયો હતો. અને ઉનાળાના પ્રારંભ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. તેના લીધે રવિ સીઝનના પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ થોડા દિવસ તાપમાન 35થી 38 ડિગ્રી રહ્યા બાદ હવે ફરીવાર આકાશ વાદળ છાંયું બન્યું છે. અને 17મી માર્ચ સુધી હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સોમવારે આખો દિવસ વાદળિયું વાતાવરણ છવાયું હતું. જેને કારણે ગરમીનો પારો 1થી 2 ડિગ્રી ગગડ્યો હતો. કાલે 14 માર્ચથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં પવન ફૂંકાવા સાથે માવઠું પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આગામી તા. 16મી માર્ચ સુધી રાજ્યના 17 જિલ્લામાં માવઠું પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમજ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. જ્યારે કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કાલે 14 માર્ચે સૌરાષ્ટ્રમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કાલે તા. 14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.