Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં જામ્યો મેઘાનો માહોલ, સુરતમાં 8 ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા

Social Share

અમદાવાદઃ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં ઝાપટાંથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં સાડાત્રણ ઈંચ, અને નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારે 6વાગ્યે પુરા છતા 24 કવાક દરમિયાન 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. રવિવારે સાંજે 6:00થી સોમવાર સવારે 6:00 વાગ્યાના 12 કલાકમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. રાતભર મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરી કરી હતી.

સુરત શહેરમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જિલ્લામાં બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, તાલુકામાં પણ નદીનાળાં છલકાયાં હતાં. શહેરમાં મેયર હેમાલી બોઘાવાલાએ રાતે 1 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે થયેલા પાણી ભરાવાનાં સ્થળોનું આર .જે માકડિયા, ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ નિરીક્ષણ કર્યું જરૂરી સૂચનો કર્યાં હતાં. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે જે પાણી ભરાયાં હતાં એના કરતાં કેટલાક અંશે પાણી ઓછું દેખાતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે જે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં એને નિકાલ માટેની રસ્તા વ્યવસ્થા ઝડપથી કરવા માટે કામે લાગ્યા હતા.

સુરત જિલ્લામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. બારડોલી કામરેજ, મહુવા, પલસાણામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. જિલ્લામાં સતત 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો