Site icon Revoi.in

રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ, હવે વરસાદના છૂટા-છવાયાં ઝાપટાં પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હજુ વાદળો ગોરંભાયેલા છે. પણ આજે રવિવારે બપોર સુધીમાં એક પણ વિસ્તારમાં વરસાદ પડ્યો નહતો. હવે છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડશે તેવું હવામાન વિભાદ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં  આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન  49 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતમાં અત્યાર સુધીમં 94.85 ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગ મુજબ આજથી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર હળવું થઈ શકે છે.

રાજ્યમાં ભાદરવા ભરપૂર રહ્યો છે. સીઝનનો વરસાદ જોઈએ તો સૌરાષ્ટ્રમાં 113  ટકા અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. લીંબડી પંથકમાં પડેલા ભાર વરસાદને કારણે કાનપરા ગામની આજુ બાજુમાં આવેલા ખેતરો સરોવર બની ગયા હતા. આથી જ જિલ્લામાં વાવેલા કપાસ, તલ અને મગફળીના સહિતના પાકને નિષ્ણાંતોના મતે 50 ટકાથી વધુ નુકસાન જવાની શકયતાઓ સેવાઇ રહી છે. હવે જો તડકો નહીં નિકળે અને વરસાદ થવાની સાથે ખેતરોમાં પાણી ભરાયેલા રહેશે તે જિલ્લાના ખેડૂતોને અંદાજે 700 કરોડથી વધુનું નુકસાન થવાની શકયતાઓ સેવાઇ રહી છે. ત્યારે પહેલા વરસાદ ન થવાને કારણે ખેડૂતોએ માર ખાધો અને હવે વરસાદ થવાથી ભરાયેલા પાણીને કારણે ખેડૂતોને માર ખાવાના દિવસો આવ્યા છે.