Site icon Revoi.in

રાજકોટમાં 12મીને શુક્રવારે યોજાનારી તિરંગા યાત્રામાં સીએમ અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે

Social Share

રાજકોટઃ ગુજરાત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ હોય તેમ  હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી રંગેચંગે થઈ રહી છે. રાજકોટ શહેરમાં તારીખ 12 ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આગામી 12 તારીખને શુક્રવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટ જિલ્લામાં બહુમાળી ભવનથી લઈને રાષ્ટ્રીય શાળા સુધી બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે અને તિરંગા યાત્રાનું નેતૃત્વ કરશે આ તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તબીબો, વકીલો,  ઉદ્યોગકારો, સહિતના મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.

રાજકોટ શહેરમાં શુક્રવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે.  જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, મેયર, મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરે તિરંગા યાત્રા રૂટ્સની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા તિરંગા યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તિરંગા યાત્રામાં શહેરના એક લાખ લોકો જોડાશે. તેની સાથોસાથ તિરંગા યાત્રામાં 300 જેટલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો પણ સામેલ થશે. તિરંગા યાત્રા બહુમાળી ભવનથી પ્રસ્થાન થઇ, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ થઇ રાષ્ટ્રીય શાળા ખાતે આ યાત્રાનું સમાપન થશે. યાત્રામાં આગળ ઘોડેસવાર જોડાશે તેમજ સેન્ટમેરી, નિર્મલા કોન્વેન્ટ, આરકેસીના વિવિધ ફલોટ યાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડના વાહનો જોડાશે. તેની સાથોસાથ 250 જેટલા વેપારીઓ સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપરાંત શાળા-કોલેજ, યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ, બીએસએનએલ, રેલવે સહિતના સરકારી કચેરીઓનાં કર્મચારીઓ તેમજ એનજીઓ આ યાત્રામાં સામેલ થશે. આ યાત્રા માટે 30,000 જેટલાં રાષ્ટ્રધ્વજોનું રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લોકોને વિનામુલ્યે વિતરણ કરાશે.

આ યાત્રાને ભવ્ય બનાવવા માટે સોમવારે શહેરની વિવિધ 250 જેટલી સામાજિક-ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.. આ અંગે મ્યુનિ. કોર્પોરેશનના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની દેશભરમાં આન-બાનથી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાતા અને તિરંગો એ ભારતની શાન છે. તિરંગાની શાન વધે તે માટે રાજકોટમાં ભવ્ય રીતે આ તિરંગા યાત્રા યોજવામાં આવશે.આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને નગરજનો વધુને વધુ આ તિરંગામાં સામેલ થાય તે માટે  આહવાન કરાયું છે. આ પ્રસંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે આગામી તા. 12મીનાં સવારનાં આયોજીત કરાયેલી આ તિરંગા યાત્રાના રુટ પર રાહદારીઓ અને યાત્રિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે.