ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ-એક ડ્રાફ્ટ ટીપી સ્કિમ અને જુનાગઢની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે સુરત મ્યુનિ.કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં-40 ડિંડોલીને પણ મંજૂર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મંજુર કરેલી બે ટીપી સ્કીમમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. 80 (વટવા-6) અને ઔડા અંતર્ગત ડ્રાફટ ટીપી સ્કીમ નં. 426 (કઠવાડા) તેમજ એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. 10 (શાપુર)નો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીલીમનરી TP સ્કીમ નં. 80 (વટવા -6) માં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે 4.26 હેકટર્સ જમીન મળતાં આશરે 3800 જેટલા આવાસો બનશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 2.73 હેકટર્સ , જાહેર સુવિધા માટે 5.76 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 6.36 હેક્ટર્સ જમીન મળી કુલ આશરે 19.13 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફટ TP સ્કીમ નં. 426 (કઠવાડા) માં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે 3.69 હેકટર્સ જમીન મળતા આશરે 3300 જેટલા આવાસો બનાવી શકાશે. ખુલ્લી જગ્યા/બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 0.94 હેકટર્સ, જાહેર સુવિધા માટે 0.92 હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે 5.74 હેકટર્સ જમીન મળી કુલ આશરે 11.81 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
અમદાવાદની બેય ટી.પી માં કુલ 7100 જેટલા EWS આવાસોનું જરૂરતમંદ પરિવારો માટે નિર્માણ થશે. એટલું જ નહિ, આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે આ બે સ્કીમની મળીને કુલ 12.10 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી સુરત મ્યુનિ.કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ 40 ડિંડોલીને પરિણામે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે આશરે 2.40 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ જમીન પર 2100 EWS આવાસો બની શકશે. સુરતની આ પ્રારંભિક ટી.પી સ્કીમમાં ખુલ્લી જગ્યા, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન માટે 0.68 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 7.42 હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણ માટે અંદાજે 1.99 હેક્ટર્સ જમીન સાથે આ પ્રારંભિક ટી.પીમાં કુલ મળીને આશરે 12.51 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.