ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તા.8મી કે 9મી જુને શપથ લેશે. નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાન મંડળના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા શપથ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશના અધ્યક્ષ સીઆર પાટિલ ઉપરાંત પ્રદેશ ભાજપના અગ્રણીઓ ભાગ લેવા માટે દિલ્હી જશે.
લોકસભા ચૂંટણીના પરિણામમાં NDAને બહુમતી મળી છે. ભાજપના સાથી પક્ષોએ એકી અવાજે નરેન્દ્ર મોદી સાથે રહેવાનુ સ્વીકાર્યું છે. તેમજ ભાજપનાં જ ટેકામાં રહેવાની નિશ્ચિતતા પ્રગટ કરી છે. સતત ત્રીજીવાર એનડીએ સરકારનું નેતૃત્વ નરેન્દ્ર મોદી જ કરશે. આગામી તા, 9મી જૂને સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લઈ શકે છે. શપથવિધિ કાર્યક્રમને ધ્યાનમાં લઈને ગુજરાત સહિત દેશમાંથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોને તારીખ 9મી સુધી દિલ્હી નહીં છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ સાંસદોને દિલ્હી પહોંચવા માટે સૂચના અપાઈ છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારીના સાંસદ છે. તેઓ પણ આ સમારોહમાં હાજર રહેશે. સાથોસાથ ગુજરાતમાંથી ચૂંટાયેલા તમામ સાંસદોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આદેશ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.