અમદાવાદઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ ઉપર રાજીનામું આપ્યાં બાદ ગઈકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ નીતિન પટેલ પાર્ટીના નિર્ણયથી નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન આજે ભુપેન્દ્ર પટેલે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલે નારાજગીનો ઈન્કાર કરીને તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ તેમ પણ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત લીધી હતી. તેમણે નીતિન પટેલના આશિર્વાદ લીધા હતા. આ મુલાકાત બાદ નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નારાજગી બાબતે ઇન્કાર કર્યો છે. હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે. સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ. આ ઉપરાંત તેમણે વિજય રૂપીણીની પણ મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી.