CM ભૂપેન્દ્ર પટેલ PM મોદી મળ્યા, દિલ્હીમાં રોડ શો અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાઈબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ સમિટની તૈયારીઓ અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં ઉદ્યોગ જગતના માધાતાઓ સાથે વન ટુ વન બેઠકો યોજીને ગુજરાતમાં મુડી કોરાણ કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં બે દશક દરમિયાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે આર્થિક, સામાજિક વિકાસના ક્ષેત્રે પ્રગતિની નવી દિશા કંડારી છે, ત્યારે તેમના પદચિન્હો પર ચાલતાં ગુજરાતે પણ વિકાસની આ તેજ રફતાર પકડી છે, એમ તેમણે ઉમેર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2022માં યોજાનારી 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજીને રાજ્યના ચોતરફા વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી.આ વાયબ્રન્ટ સમિટનો નવતર વિચાર નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી.
કચ્છમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં વધારાના 30 ગીગાવોટનું પ્રદાન 2023 સુધીમાં ગુજરાત આપતું થશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે ગુજરાત તીવ્રગતિથી વૈશ્વિક કંપનીઓ સાથે સ્પર્ધાત્મક સહભાગિતા સાધવા સક્ષમ છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.