અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકના સમયહાળામાં જ 6 ઈંચ અને કાલાવડ તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ ગુજરાતના નવા વરણી પામેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ લીધા પહેલા જ એક્ટિવ થઈ ગયા છે અને જામનગરના કલેકટર સાથે વાતચીત કરી હતી. તેમજ જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં ધોધમાર વરસાદને પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવ્યું છે. તેમજ જામનગરમા પણ ભારે વરસાદને કારણે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં ભારે વરસાદથી ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયાં છે. બીજી તરફ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વરણી પામેલા ભુપેન્દ્ર પટેલ પણ સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે. તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ કર્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ આજે બપોરના સમયે ગ્રહણ કરશે. જો કે, તે પહેલા જ તેઓ ગુજરાતની જનતાની સેવા કરવા માટે સક્રીય થઈ ગયા છે.