CM ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લઈને ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરી આપ્યા આદેશ
પોરબંદર: જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા. તેમજ વાડી-ખેતરોમાં વાવણી કરેલા પાક પણ ધોવાય ગયો હતો, કેટલાક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુંસી જતાં ઘર-વખરીને પણ નુકસાન થયું હતું. આથી સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પોરબંદર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી. અને મુખ્યમંત્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી વરસાદી પાણીના નિકાલ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું હતુ.
મુખ્યમંત્રીએ કહ્યું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે. સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ મુખ્યમંત્રી એ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓ માંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને રાજકોટ જિલ્લામાંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર કે.ડી લખાણીએ મુખ્યમંત્રીને આપી હતી.
પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા