1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

0
Social Share

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે. આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155  ચેકડેમ, 14 તળાવ અને 7 જળાશયમાં કુલ મળીને 4435  મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિથી સાકાર થયેલી સૌની યોજનામાં તબક્કાવાર 1313  કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે 77430 એમસીએફટી પાણી 85 જળાશયો, 170 ગામ તળાવો તથા 1319 ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ જેનું ખાતમુહૂર્ત કરવાના છે તે લિંક-4ના પેકેજ-9 દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવને જોડવામાં આવશે. એટલું જ નહિ, 23 જેટલા ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને 5676  એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે.

રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે શુક્રવારે સવારે 10 કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રી રૂ. 139 કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂ. 9 કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈ., રૂ. 2.11 કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code