ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ફોર્ચ્યુનર બુલેટપ્રુફ કાર સામેલ કરી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે તે સ્કોર્પિયો કાર બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર કાર સીએમના કાફલામાં સામેલ કરી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે છ કારોનો કાફલો રહેતો હોય છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવા માટે એક કાર સ્ટેન્ડ બાય કાફલા તરીકે રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા તથા તકનીકી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. સોમવારે જ મુખ્યમંત્રી પોતાના કાફલામાં ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. તેમની ગાડીના ડેશબોર્ડ પર તેઓના શ્રદ્ધાના કેન્દ્ર એવા સીમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સૂ્ત્રોના જણાવ્યા મુજબ પટેલને સ્કોર્પિયો કરતા ફોર્ચ્યુનર ગાડી વધુ પસંદ હોવાથી આ મોડલ પસંદ કરાયું છે. કાફલાની તમામ ગાડીઓ એક જ મોડલ અને એક જ રંગ હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2019માં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી માટે ખરીદેલા 20 વર્ષ જૂના વિમાનને બદલી 191 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 ખરીદ્યું હતું. જોકે રૂપાણી આ વિમાનનો ઉપયોગ કરે તે પૂર્વે જ તેમની સરકાર જતી રહી અને ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ સવારી કરી હતી.